મારું અસ્તિત્વ

                              મારું અસ્તિત્વ 


મારા જીવનની કહાની તો બહુ લાંબી છે છતાં થોડું ટૂંકમાં કહી દઉં. મારું નામ રાજન. હું બાર વર્ષનો થયો ત્યારે થોડું સમજતો થયો હતો ત્યાં સુધી તો હું ખુશ જ રહેતો પણ બાર વર્ષની ઉમરે મને મારા અસ્તિત્વની સમજ આવી. મને ખ્યાલ આવ્યો કે હું એક અનાથ છું! અનાથ એટલે જેનું કોઈ ન હોય! નરી એકલતા, ભીડની વચાળ પોતાની જાતને એકલી પામવી! આમતો મને ઘણા મિત્રો મળ્યા હતા. એક સામાન્ય બાળકને જેટલા મિત્રો મળે એનાથી વધારે મિત્રો મને બાળપણમાં મળ્યા હતા. કેમ ન મળે? અનાથ આશ્રમમાં મારી ઉમરના હજારો બાળકો હતા. કોઈ નાજાયજ ઓલાદ હતી એટલે અનાથ હતું તો કોઈના માં બાપ મારી જેમ અકસ્માતમાં ગુજરી ગયા હતા એટલે અહી આવી ગયા હતા.! ટૂંકમાં બસ આધાર વગરના મારા જેવા ઘણા બદનસીબ આશ્રમમાં ભેગા થયા હતા!

આમ તો મારી સાથે રમવા માટે ઘણા મિત્રો હતા પણ મને રમવામાં રસ હતો જ નહિ! અનાથ આશ્રમનું ખાવાનું પીવાનું, રહેવાનું, ભદ્દી મેડમ અને ગંદા વાહિયાત માણસોના સંચાલનમાં મને ગુંગળામણ થતી. મને એકને જ નહિ બીજા ઘણાયને એવું થતું પણ એ બધા રમવામાં પોતાનું દુખ વિસરી જતા. મને રમવામાં રસ હતો જ નહિ મારે બસ શાંતિ જોઈતી હતી. એક સુંદર જીવન મને જોઈતું હતું.

શાળામાં જતો ત્યારે જોતો દરેક બાળકને એની મા મુકવા આવે સાંજે લેવા પણ આવે. એ સમયે બુધવારે શાળામાં રંગીન કપડા પહેરવાની છૂટ આપવામાં આવતી. બુધવારે તો હું રડી જ લેતો બધાને રંગ બે રંગી નવા નવા કપડા અને મારે એજ થીગડા મારેલ ચડ્ડી અને શર્ટ! બધાને સારા સારા દફતર અને મારે એક થેલી! કપડાની સીવેલ થેલીમાં મારે મારા ભવિષ્યને સાચવીને લઇ જવાનું અને લાવવાનું. વરસાદ હોય તો પૂર્વ તૈયારી રૂપે જ પ્લાસ્ટિકનું મોટું ઝભલું થેલીમાં લઇ જવાનું. વરસાદ હોય તો બધાને પપ્પા સ્કુટર લઈને લેવા આવે પણ મારે તો મારા પગ જ મારા સાથી હતા! ઘણી વાર એ વરસતા વરસાદમાં હું આસું ખેરવતો આશ્રમ પહોંચતો! મને કોઈની ઈર્ષા નહોતી પણ હું મારું અસ્તિત્વ શું છે એ શોધ્યા કરતો….. હું બધાથી અલગ જ પડતો. દરેક વાતે બધા ચડિયાતા પુરવાર થતા! હું એનો એજ નિમ્ન અને તુચ્છ! હું દેખાવડો હતો એટલે મને કોઈ નીચી જાતિનો માનીને અસ્પૃશ્યતા તો ન બતાવતું એટલી બસ મહેરબાની હતી! બાકી બધું તો ગળા સુધી આવી જતું!

ધીમે ધીમે હું મોટો થવા લાગ્યો અને મહત્વ્કાક્ષાઓ પણ! હું સપના જોવા લાગ્યો. હું આમ કરીશ અને હું તેમ કરીશ! મારી જ ધૂનમાં હું જીવવા લાગ્યો. પણ મને ક્યાં ખબર હતી કે સપનાઓ તો વધારે દુખી કરે છે! ગાડી બંગલા બધા સપનાઓ રાત દિવસ મારી આંખો સામે તરવરવા લાગ્યા. ભલે ને મને આ બધા હમણાં અનાથ બિચારો કે બાપડો કહેતા પૈસાથી હું માં બાપ પણ લઈ આવીશ એક દિવસ અને ક્યાંક દુર જતો રહીશ જ્યાં કોઈને ખબર નઈ હોય કે હું કોણ છું? બસ પછી તો શાંતિ જ શાંતિ!

બસ આવી રીતે મારૂ જીવન ચાલ્યા કરતુ હતું. સપનાઓની દુનિયામાં હું લટાર માર્યા કરતો! એવામાં આશ્રમમાં દત્તક લેવાની પ્રથા શરુ થઇ હતી. મને મારા સપનાઓ પુરા કરવા કુદરતે એક મોકો આપ્યો છે એમ ગણીને હું રોજ મનોમન હરખાયા કરતો! દત્તક લેવા માટે બધા બાળકોને એક લાઈનમાં ઉભા રાખવામાં આવતા. દત્તક લેનાર દુખિયારા વાજીયા કે પછી જેના બાળકો અકસ્માતે મૃત્યુ પામ્યા હોય એવા પતિ પત્ની પહેલેથી છેલ્લે સુધી બધા બાળકોને જોતા પ્રશ્નો કરતા અને પસંદ કરતા! હું દેખાવડો હતો એટલે મને તો જલ્દી કોઈ દત્તક લેનાર મળી જશે એવી આશા હતી પણ એ આશા નઠારી હતી! સતત છ મહિના સુધીમાં મને કોઈએ અપનાવ્યો નહિ! કદાચ હું મારા નસીબ એવા લખાવીને જ આવ્યો હોઈશ!

ફરી મારું જીવન દુખ તરફ વળી ગયું. રોજ એ લાઈનમાં ઉભા રહેવાનું. એક સપનું લઈને ઉભા રહેવાનું. અને પછી જાનકી જનક કે કોમલને કોઈ અપનાવે એ જોઈએ પોતાના જ મિત્ર ઉપર એક ઈર્ષા ભરી નજર કરી એને વિદાય આપી એ દિવસે ભૂખ્યા સુઈ જવાનું!

જયારે જયારે મને કોઈ અપનાવતું નહિ ત્યારે મને દુખ થતું! હું આશ્રમ બહાર આવેલ એ રોડના ફૂટપાથ ઉપર જઈને બેસતો. રડતો ભગવાનને મારી ફરિયાદ સંભળાવતો….. અને અંતે સંધ્યા મને શોધવા આવતી. સંધ્યા મારી જ ઉમરની મારા જેવી જ દુખીયારી હતી! પણ એનું હ્રદય મારા જેવું ન હતું! અત્યંત કોમળ………. મને સાંજે મોડું થશે તો માર પડશે એ ડરથી સંધ્યા મને શોધવા આવતી અને કરગરીને મને અંદર લઇ જતી! ઘણું સમજાવતી પણ મને વધારે દુખ સહન કરવાની શક્તિ નહોતી વધી!

એ પછી તો કેટલાય બાળકોને દત્તક લીધા પણ ક્યારેય મારો વારો આવ્યો નહિ! મેં પણ એ આશ છોડી દીધી. મેં ગાંઠ વાળી દીધી કે હું આ જન્મમાં સુખી નથી જ થવાનો! અને પછી હું ઉદાસીમાં જીવવા લાગ્યો!

એક દિવસ હું શાળાએ જતો હતો. રોજની જેમ મારા વિચારો સાથે મારા પગ ઉપાડતા હતા. રસ્તામાં કોઈ પથ્થરને લાત મારીને આગળ ભગાડવાનો ફરી ત્યાં પહોંચીને લાત મારવાની એજ મારી રમત હતી. એ દિવસે પણ હું એ રમત રમતો રમતો શાળાએ જતો હતો અને અચાનક પથ્થર જઈને એક કારને અથડાયો. મને વિચારોમાં ધ્યાન જ ન રહ્યું કે મેં જરાક વધુ પડતું જ બળ લગાવી દીધું હતું….. કારની બાજુમાં ઉભેલ કારના માલિક એ જોઈ મને જોવા લાગ્યા….. મને થયું નક્કી આજે આશ્રમમાંથી પણ કાઢી મુકશે……. પણ મારી ધારણા ખોટી પડી….. મને જોઇને એ માણસના ચહેરાના ભાવ બદ્લાઈ ગયા….. ચહેરા ઉપર એક અજબની ચમક આવી ગઈ. એ માણસ મારી પાસે આવી ગયા.

“ ત….તું……. તું……. કોણ છે?”

“હું રાજન “ ગભરાતા ગભરાતા હું બોલ્યો…..

“તારા માં બાપ ?”

માં બાપ ? એ શબ્દ સાંભળતા જ મારી આંખો છલકાઈ ગઈ.

“અરે, રડ નહિ બેટા, મને કે શું થયું?”

“હું અનાથ આશ્રમમાં રહું છું…..” મેં રડતા રડતા કહ્યું…….

એ કાકાએ મને કહ્યું “ બોલ ચોકલેટ ખાવી છે?”

મેં હા પાડી એટલે મને સામેના ગલ્લા ઉપર લઇ જઈ ઘણી બધી ચોકલેટ અપાવી. એકાએક મારું રુદન ગાયબ થઇ ગયું! હું ચોકલેટ ખાવા લાગ્યો ….. ઉતાવળે ઉતાવળે ખાવા લાગ્યો! કોઈ દિવસ ખાધી નહોતીને! બસ મનીશ કે કૌશિકને ખાતા જોયા હતા….. ચોકલેટ કેવી હોય એ તો એ દિવસે પહેલીવાર જ મને ખબર પડી હતી!!!!! જોતજોતામાં હું બધી ચોકલેટ ખાઈ ગયો….. પહેલા તો બસ ચોકલેટની જ પડી હતી પણ ચોકલેટ પૂરી થઇ એટલે અચાનક યાદ આવ્યું કોઈ દિવસ કોઈ માણસે મારા ઉપર દયા નથી કરી તો આજે આ આટલો મોટો અહેસાન કેમ ?

“બોલ રોજ આવી ચોકલેટ ખાવી છે? મારા ઘરમાં રહેવું છે?” હું વિચારતો હતો ત્યાં કાકાએ ફરી કહ્યું.

“હ…. હા….” મને વિશ્વાસ નહોતો થતો કે આવી રીતે કુદરત મારા ઉપર રાજી થશે….. હું નિરાશામાંથી એકાએક બહાર આવી બોલ્યો.

મારી હા સાંભળીને કાકાના ચહેરા ઉપર એકાએક ચમક આવી ગઈ….. તરત એ મને આશ્રમમાં લઇ ગયા… આશ્રમના સંચાલકની રૂમમાં જઈ એમણે કૈક વાત કરી થોડા કાગળ ઉપર સહી કરી…. અને પછી મને સંચાલકે તૈયાર થવા કહ્યું… હું હરખાતો હરખાતો તૈયાર થઇ ગયો…..

મારા બધા મિત્રો મને વિદાય આપવા આવ્યા. બધાને મળીને હું જતો હતો ત્યાં અચાનક મારી નજર સંધ્યા ઉપર પડી….. એક ખૂણામાં ઉભી સંધ્યા, એના ચહેરા ઉપર સંધ્યાના સુરજના આખરી કિરણો પડતા હતા….. સુરજ ડૂબતો હતો પણ મારા જીવનમાં ઉગી રહ્યો હતો !!!!! સુરજના આખરી કીરણો સંધ્યાના એ ચહેરાને ઉદાસી આપતા હતા….. સંધ્યા જાણે કૈક ખોઇ રહી હતી,,,,, એક તરફ ગાડીનો દરવાજો ખોલીને મને એક સ્ત્રી જે મારી નવી માં બનવાની હતી એ હાથનો ઈશારો કરીને બોલાવી રહી હતી તો એક તરફ સંધ્યાના આંસુ મને રોકતા હતા…… હું અવઢવમાં હતો ત્યાં જ સંધ્યા મારી પાસે આવી અને કહ્યું,”કોની રાહ દેખે છે? તારી કિસ્મત ખુલી ગઈ છે જા રાજન….”

મેં સંધ્યાના આંસુ લૂછ્યા અને હું નીકળી પડ્યો….. પહેલીવાર ગાડીમાં એ દિવસે જ હું બેઠો હતો! ગાડી એક ભવ્ય મકાન આગળ જઈને ઉભી રહી….. આલીસાન મહેલ સુંદર ગાડી ઘરમાં બગીચો અને દરવાજે સલામ કરતો કીપર જોઈ હું મારી કિસ્મતને આભાર કહેવા લાગ્યો…..

એ દિવસથી મારું જીવન જ બદલાઈ ગયું…. મને બીજી સારી શાળામાં બેસાડ્યો…. સારા કપડા સારા દફતર સારા બુટ બધું જ મને મળી ગયું…… નવા માં અને નવા બાપ મને આખો દિવસ રમાડતા, રાત્રે મોડા સુધી અમે ટી.વી. જોતા….. એ પણ રંગીન ટી.વી….!!!!!

મારું જીવન સુખમાં પસાર થવા લાગ્યું અને કહેવત છે ને કે સુખના દિવસો જલ્દી પસાર થઇ જાય…… હું ક્યારે મોટો થઇ ગયો એ મને ખબર પણ ન પડી…..

એ દિવસે મારું ગ્રેજ્યુએસન પૂરું થઇ ગયું હતું….. આમ તો દશમી અને બારમીના રિજલ્ટ લેવા તો મારા મમ્મી કે પપ્પા જ જતા પણ કોલેજનું રિજલ્ટ લેવા હું જાતે જ ગયો હતો….. હું રિજલ્ટ લઈને બહાર નીકળ્યો અને રિજલ્ટ ઉપર નજર કરી એસી ટકા હતા…..!!!!! કેમ ન હોય મોઘા મોઘા ટ્યુશન મને મળતા હતા. સારા સારા શિક્ષકો મને ઘરે જ ભણાવવા આવતા હતા….. મારા ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું…. પણ એકાએક મારી નજર મારા નામ ઉપર ગઈ…. અને એ સ્મિત ગાયબ થઇ ગયું.

આજ સુધી મને મારું નામ તો ખબર જ નહોતી…. નોટબુકમાં હું તો માત્ર રાજન જ લખતો ….. મને ક્યારેય એ વાત ધ્યાનમાં જ નહોતી આવી કે મારું નામ અધૂરું હતું….. પહેલી વાર મેં સર્ટીફીકેટ હાથમાં પકડ્યું અને મને એક નામ દેખાયું આલોક ત્રિભોવનદાસ શાહ !!!!! આ કોઈ બીજાનું તો નથી ને? હું તરત શિક્ષક પાસે ગયો પણ શિક્ષકે એજ કહ્યું કે મારું ખરું નામ આલોક છે……

તો એટલા માટે મને ક્યારેય કોઈ સર્ટીફીકેટ લાવવા મુક્તા જ નહોતા…. આજે સવારે એટલે જ મારે જીદ કરીને આવવું પડ્યું હતું????? શાળાના શિક્ષકો સાથે પણ મારા નવા માં બાપે એટલે કે ત્રિભોવનદાસ શાહ અને નેત્રાબેન શાહે વાત કરી લીધી હતી ? તો મારું નામ ક્યાં???? હું એ કાગળ ને જોતો જ રહી ગયો…. રાજન તો ક્યાય નથી…… અહી તો છે માત્ર આલોક………. મારું તો ક્યાય અસ્તિત્વ જ નથી !!!!!

હું ફરી એજ આશ્રમના રોડ આગળ આવી અટક્યો……… એજ ફૂટપાથ ઉપર બેસી ગયો………. જીવન કેવું ચક્કર મારીને અહી આવ્યું……….? જીવનમાં બધા જ સપનાઓ પુરા થયા ત્યારે આજે હું જ નથી! જન્મીને મેં બધું જ ખોયું છે……. પહેલા માં બાપ……પછી સંધ્યા …. અને અંતે મારું અસ્તિત્વ જ ખોઈ દીધું હું હું નથી રહ્યો હું તો આલોક છું………!!!!!!!!!

ફરી એજ ફૂટપાથ ઉપર આવીને બેઠો હતો…. મન થયું બધા બંધન તોડીને હું હું બનીને જીવું…… પહેલા અનાથ બનીને જીવ્યો હવે આલોક બનીને જીવવાનું????? ના હું હું બનીને જીવીશ…… રાજન બનીને જીવીશ……….. ફરી મન કહે છે તો રાજન એ માં બાપનું શું? એ બાપનું શું જેને બધી ધન દોલત તારા નામ કરી દીધી………..? એ માં નું શું જે તને અલોક સમજીને જીવે છે????????? વર્ષો પછી ફરી મારી આંખો છલકાઈ ગઈ….!!!!!!! ઈશ્વરે મને કેવું જીવન આપ્યું છે?? હું હવે એ વૃદ્ધ માં બાપને છોડીને જાઉં તો એમનું શું થાય????? હે ભગવાન મને જ કેમ આવું જીવન આપ્યું તે……..?????????

હા ખબર છે તું જવાબ આપવા નથી આવવાનો……. મારેજ નિર્ણય કરવો પડશે……. અંધારું થવા લાગ્યું…… આજે સંધ્યા મને બોલાવવા નથી આવવાની……. ક્યાંથી આવે એ??? એતો આજ આશ્રમમાં હતી પણ હું કેટલો મુર્ખ હતો કે પૈસાની બંગલાની જહોજલાલીમાં ક્યારેય એને મળવા પણ ન ગયો!!!!!!!!!

આ બધું મારા નવા માબાપ ને લીધે થયું છે એમ વિચારી હું મારો ગુસ્સો એમના પર કાઢવા જડપથી ઘરે ગયો. એમને મને એટલા લાડપ્યારથી ઉછેર્યો હતો કે મમ્મી તો શું પપ્પાની સામે બોલતા હું છેક દસમાં ધોરણ થી શીખી ગયો હતો. મનોમન ગુસ્સે ઘરે ગયો અને સર્ટીફીકેટ જઈને મારા માં બાપના મોઢા ઉપર ફેંક્યું….. બંને જાણે પહેલેથી જ આ ઘટના વિષે જાણતા હોય એમ ઉદાસ બેઠા હતા…. કોઈં કઈ ન બોલ્યું….. હું સારું ખરાબ બોલવા લાગ્યો…… અંતે એમણે મને એક ફોટો આલબમ આગળ ધર્યો…

“હવે આ ફોટાને હું શું કરું…..? છંછેડાઈને મેં આલબમ હાથમાં લીધું……

આલબમની જીપ ખોલી અંદર ફોટા જોયા …….. એક નાના બાળકના ફોટા હતા….. એક પછી એક હું ફોટા જોવા લાગ્યો….. હું સમજી ગયો કે આ ફોટા નક્કી એમના દીકરાના હોવા જોઈએ! એનું નામ અલોક જ હોવું જોઈએ….. મારી ધારણા મુજબ જ મેં ત્રીજો ફોટો જોયો ત્યાં આલોક નામ હતું…… મેં ફોટા ઉથલાવે રાખ્યા….. એક પછી એક બે વર્ષનો આલોક ત્રણ વર્ષનો આલોક ચાર વર્ષનો આલોક…. અને અંતે દસ વર્ષના આલોકનો ફોટો આવ્યો અને મારું હ્રદય ધબકારો ચુકી ગયું!!!!!!!!!! છાતી ઉપર હાથ મુકીને હું સોફામાં બેસી પડ્યો……….. જાણે મારો જ ફોટો હોય અને ઉપર લખેલું હોય આલોક……………….

મને બધું સમાજમાં આવી ગયું……… કેમ એ દિવસે મને જોતા જ ચોકલેટ અપાવી? મને કેમ જોતાની સાથે જ દત્તક લઇ લીધો એ બધું જ મને સમજાઈ ગયું…..આલોક મારો હમસકલ હતો…………..!!!!! આબેહુબ મારી કોપી ……..!!!!! હું આલબમ મુકીને ઉભો થઈ ગયો…….. મારો ગુસ્સો એકાએક ક્યાય ચાલ્યો ગયો…..!!!!!

“આલોકનો એક્સિડન્ટ થયો હતો અને તને પહેલીવાર જોયો ત્યારે મને લાગ્યું કે મને મારો આલોક મળી ગયો છે એટલે બેટા…….. “

મેં પપ્પાની આંખોને આંસુઓથી છલકાતી જોઈ, શહેરના એ બિઝનેશમેન કે જેને દિવસે લાખોનું નુકશાન થાય તોય એમના પેટમાંનું પાણીએ ના ડગે એમની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું અને હું જાણતો હતો કેમ?

પપ્પાનું વાક્ય મેં પૂરું સમ્ભાલ્યુંજ નહિ, આમેય મને ક્યાં આદત હતી એમનું સંભાળવાની, એ બોલવાનું ચાલુ કરે એટલે રૂમ છોડી ચાલ્યો જતો પણ આજે વાત અલગ હતી આજે મેં એમનું વાક્ય પૂરું સાંભળ્યું નહતું પણ હું રૂમ છોડીને નહોતો ગયો, હું મારા પપ્પાને ભેટી પડ્યો અને આંસુ ભરી આંખે મેં કહ્યું બસ પપ્પા મને મારું અસ્તિત્વ મળી ગયું!!!!!

અચાનક મારા ખભા પર એક કોમળ શાપર્શ થયો, એ હાથ ના સ્પર્શને હું ઓળખતો હતો એ હાથ મારી મમ્મીનો હતો મેં એની આંખોમાં જોયું એ આંખો આંસુઓથી છલકતી હતી પણ હું જાણતો હતો એ રડતા ચેહરા પર સ્મિત કઈ રીતે લાવવું!!!!! મેં પપ્પા ન સંભાળે એમ મમ્મીના કાનમાં કહ્યું હવે ફરી એક વ્યક્તિને આશ્રમમાંથી લાવવાની છે જે મને તમે ચાહો છો એમ ચાહે. પાછળથી પિતાજીનો આવાજ સંભળાયો, “કોને? સંધ્યાને?”

જીગીશા મકવાણા

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !